જાણો બોળચોથ ના દિવસે મહિલાઓ આ કારણે નથી જમતી સમારેલું શાક અને ઘઉં ની વસ્તુઓ

હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે અને દરેક પર્વની પાછળ તેનો કઈંક હાર્દ છુપાયેલો હોય છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ મહિનાના દરેક તહેવારને ઉજવવા માટે ખાસ પ્રકારના રીતરિવાજને પણ અનુસરવામાં આવતાં હોય છે. આજે બોળ ચોથ છે. જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે.

પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો હોય એથી વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીજ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે. જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે.

આ વ્રતની સાથે-સાથે. સાંજે ચાર વાગ્યે વાછરડા સાથેની ઘઉંવણીઁ ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુકત થવાય એ પણ રિવાજ છે. રીત-રિવાજ અથવા માન્યતા એ પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રધ્ધાથી ગાયનું પુજન કરે છે. ગાયનુ પુજન કરતાં પહેલાં ભુદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે પછી ગાયના શિંગ પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચડાવી ગાયને બાજરી ખવડાવી પુછડે જલાભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરે છે. આમ, આ પ્રકારે બોળ ચોથની પુજા અને વ્રત કરવામાં આવે છે.

Source link —> http://sandesh.com/bod-choth-vrat-special-woman/

Share this :