જાણો સર્વ ઋષિઓમાં વંદનીય એવા શુકદેવજીની ઉંમર આ કારણે 16 વર્ષની છે

પ્રાચીન કથા પ્રમાણે ભગવાનનાં કલા અવતાર વ્યાસજીએ અનેક મહાન ગ્રંથ રચ્યા હતાં તેમને એક પુત્ર અભિલાષા હતી જે તેમનો સર્વોતમ ગ્રંથ “શ્રીમદ ભાગવત” ને સમજી , વિચારી , ધારણ કરી સંસારમાં પ્રસિદ્ધ કરે.

अग्नेर्भूमेरपां वायोरन्तरिक्षस्य वा विभो।
वीर्येण संमितः पुत्रो मम भूयादिति स्म ह।।
एवंविधेन तपसा तस्य भक्त्या च भारत।
महेश्वरः प्रसन्नात्मा चकार मनसा मतिम्।।
तद्भावभावी तद्बुद्धिस्तदाऽऽत्मा तदपाश्रयः।
तेजसाऽऽवृत्य लोकांस्त्रीन्यशः प्राप्स्यति ते सुतः।।

– મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય 33૧

આ વિચાર સાથે તેમણે મેરુ પર્વત પર મહાદેવજીનું ઉગ્ર તપ આરંભ કર્યું. તેમણે એવો સંકલ્પ કર્યો કે “તેમને અગ્નિ , પૃથ્વી , જળ , વાયુ અને આકાશ સમાન ધૈર્યશાળી પુત્ર પ્રાપ્ત થાય”. ભગવાન શંકર પ્રસન્ન થઇ એમને વરદાન આપ્યું કે તમારી અભિલાષા પૂર્ણ થાય એવો ઉત્તમ પુત્ર થશે જે દરેક લોકમાં આદરણીય અને મહાન ભક્ત થશે, જે હંમેશા ભગવદ્ભાવમાં રંગ્યો રહેશે . ભગવાન એની બુદ્ધિ રહેશે . ભગવાન એનો આત્મા રહેશે . અને એક માત્ર ભગવાનને એ પોતાનો આશ્રય સમજશે. એના તેજથી ત્રણે લોક વ્યાપ્ત થશે અને તે મહાન યશ પ્રાપ્ત કરશે ” આટલું કહી ભગવાન અંતર્ધ્યાન થયાં.

વ્યાસજી વિચારતા હતા કે ભગવાન વરદાન તો આપીને ગયાં પણ કયારે એ પૂર્ણ થશે તે કીધું જ નહીં. આમ તેમના મનમાં ભગવાનનાં વચન પર અશ્રદ્ધા આવી અને મનમાં વિકાર આવ્યો.

अथ रूपं परं राजन्बिभ्रतीं स्वेन तेजसा।
घृताचीं नामाप्सरसमपश्यद्भगवानृषिः।।
सा च दृष्ट्वा तदा व्यासं कामसंविग्नमानसम्।
शुकी भूत्वा महाराज घृताची समुपागमत्।।
यत्नान्नियच्छतस्तस्य मुनेरग्निचिकीर्षया।
अरण्यामेव सहसा तस्य शुक्रमवापतत्।।
शुक्रे निर्मथ्यमाने स शुको जज्ञे महातपाः।
परमर्षिर्महायोगी अरणीगर्भसंभवः।।

– મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય 33૨

તે જ સમયે ઘૃતાચી નામની અપ્સરા શુકી (પોપટી)નું રૂપ લઈને ભૂમિ ઉપર ફરતી હતી. તેના એ દિવ્ય રૂપ પર વ્યાસજી ની દ્રષ્ટિએ પડી. તેને જોઈને વ્યાસજી નું વીર્ય ધરતી પરપડયું. તે વીર્ય અમોઘ હતું આથી પોપટનાં ઈંડા સ્વરૂપે નીપજ્યું, જેમાં શુકજીનો પાદુર્ભાવ થયુ. વ્યાસજી જ્ઞાની હતાં અને સંત હતાં. તેમને પોતાની ભૂલ પર ધ્યાન ગયું. અને તરત તેમણે એ સ્થાનનો ત્યાગ કર્યો .

मेरुशृङ्गे किल पुरा कर्णिकारवनायुते।
विजहार महादेवो भीमैर्भूतगणैर्वृतः।।
शैलराजसुता चैव देवी तत्राभवत्पुरा।
तत्र दिव्यं तपस्तेषे कृष्णद्वैपायनः प्रभुः।।

આ દરમ્યાન ભગવાન શંકર અને શૈલ રાજ દક્ષની પુત્રી સતી પૃથ્વી પર્યટન પર નીકળ્યા હતાં અને ભગવાને જણાવ્યું કે આ એ જ ગુફા છે જેમાં વ્યાસજીએ તપ કરી મને પ્રસન્ન કર્યા હતાં. સતીજીએ એમાં જવાની ઈચ્છા પ્રગટ કરી. અહી વાત વાતમાં સતીજીએ ભગવાનનું ગુઢ રહસ્ય “અમર” થવાની કથા જાણવાની ઈચ્છા દર્શાવી.

ભગવાન શંકરે કહ્યું કે આ અત્યંત ગુપ્ત વાત છે અને જે સાંભળે છે તે અમર બને છે. પણ જો કથા સાંભળવામાં કોઈ દોષ રહી જાય અથવા કોઈ પાત્રતા વિનાનો જીવ સાંભળે છે તો તે મૃત્યુને વરે છે. આ પછી ભગવાન શંકરે પોતાના યોગ બળથી ગુફામાં રહેતાં દરેક જીવનો નિકાલ કર્યો. પણ એ જીવ ઈંડામાં હોવાથી ભગવાને તેનો સંહાર નાં કર્યો. ભગવાન શંકરે સમાધી અવસ્થામાં કથા કહેવાની શરૂઆત કરી અને સતીજી ધ્યાનથી સંભાળતાં હતાં અને “હું-કારો” આપતા હતાં પણ અધ વચ્ચે સતીજી ભાવિને વશ થઇ કથા સાંભળતાં થાકી ગયા અને ઊંઘમાં પ્રવૃત્ત થઇ ગયાં. (જેની સજાને રૂપ ભવિષ્યમાં આ કારણસર પોતાના પિતાના યજ્ઞમાં સતીજીએ દેહ ત્યાગ કરવો પડ્યો હતો.)

પણ પેલા ઈંડાંમા રહેલો જીવ ધ્યાનથી આ કથા સાંભળતો હતો. અને તરત ખ્યાલ આવ્યો કે કોઈ કારણસર સતીજી કથામાં રસ નથી લેતાં. પણ કથા રસ ભંગ ના થાય આથી તેમની જગાએ શુકદેવજીએ ઈંડામાંથી હુંકારો આપવાનું શરુ કર્યું.

ભગવાન શંકરતો યોગીઓના ગુરુ છે તેમને આ વાત તરત ધ્યાનમાં આવી કે કોઈ અયોગ્ય પાત્ર આ કથા સાંભળી રહ્યું છે. તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તરત ધ્યાનમાં આવ્યું કે એક નિષ્ક્રિય ઈંડું આ કથા સાંભળે છે. એ શુકનાં ઈંડાને નષ્ટ કરવા ત્રિશુલ ઉગામ્યું. ત્યારે જ એ ઈંડું પોપટ સ્વરૂપે જન્મ લઇ ત્યાંથી ભાગી નીકળ્યું. શિવજી તેમની પાછળ પડ્યાં. આ દૌડ ભગવાન વ્યાસના આશ્રમે જઈ અટકી.

ત્યાં પોપટ તેમના શરણે ગયાં અને બધી વાત કરી. વ્યાસજીએ ભગવાન શંકરને શાંત કરતાં સમજાવ્યું કે “આ જીવ મારે શરણે આવ્યો છે અને તેને અમર કથાનું પાન કર્યું છે. ભલે આખી કથા નાં સાંભળી હોય પણ તેનું ફળ તો તેને મળશે આથી તેનો સંહાર ના કરી શકાય નહીં તો આ કથાની મહત્તા ઓછી થશે.”

ભગવાન શંકરે કહ્યું “અધિકાર વિના આ કથા સાંભળવાનો નિષેધ છે, આથી આ શુકને મરવું તો પડશે અને તેને આખી કથા સાંભળી નથી આથી તે અમર પણ નથી. પણ તમે તેની રક્ષા કરી છે આથી શાસ્ત્ર પ્રમાણે તમે એના ધર્મ પિતા થયાં અને તદુપરાંત એ તમારા વીર્યમાંથી જન્મેલ છે આથી એ બ્રાહ્મણ છે અને અવૈધ્ય છે. પણ સૃષ્ટિના કેટલાક નિયમ અટલ છે આથી તમારા પુત્રે સ્વેચ્છાએ આ યોનીનો ત્યાગ કરવો અને હું મારા યોગ બળથી એને તમારી પત્નીનાં ગર્ભમાં ફરી સ્થાપિત કરીશ. એને જેટલી કથા સાંભળી છે તેના ફળ સ્વરૂપે તે શ્રીહરિનો ઉત્કૃષ્ટ ભક્ત થશે, જગતમાં તેની નામના થશે એવા મારા આશીર્વાદ છે ”

આથી એ જીવે સ્વેચ્છાએ પોપટના શરીરનો ત્યાગ કર્યો અને વ્યાસજીની પત્નીનાં ગર્ભમાં પ્રવેશ કર્યો। પણ ૧૬ વર્ષ સુધી તે ગર્ભમાંથી બહાર નાં આવ્યા. કારણકે તેમને ભગવાનની માયાનો ભય હતો .

છેવટે સાક્ષાત નારાયણ ભગવાન પ્રગટ થઈને વરદાન આપ્યું કે “મારી માયા તમને કયારે પણ સ્પર્શ નહિ કરે અને જન્મની સાથે તમને બ્રહ્મજ્ઞાન ની પ્રાપ્તિ થશે . તમારો જન્મ એક પોપટના ઈંડામાં થયો હતો આથી તમારું નામ “શુક” પડશે અને જગતમાં તમે સર્વ ઋષિઓમાં વંદનીય રહેશો .”

આથી શાસ્ત્રોમાં શુકદેવજીની ઉંમર હંમેશા ૧૬ વર્ષની જણાવે છે .

Source link —-> https://bit.ly/2UcpQCG

Share this :