જાણો ગણેશજીની સ્થાપના નું શુભ મુહૂર્ત અને વ્રત નું મહત્વ

બુદ્ધિના દેવ શ્રી ગણેશજીને હિન્દુ શાસ્ત્રોમાં સવિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વિઘ્ન હર્તા, સિદ્ધિ દાતા, બુદ્ધિ અને ચાતુર્યના સ્વામી, સદભાગ્ય આપનારા ગણેશજીની પૂજા કોઇપણ કામની શરૂઆત કરતા પહેલાં કરવામાં આવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર 2019ના રોજ એટલે વિક્રમ સંવત અનુસાર ભાદરવા સુદ 4ના દિવસે ભારત સહિત સમગ્ર દુનિયામાં ગણેશ ચતુર્થીની ભક્તિભાવ અને પૂર્ણ શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવશે. આમ તો આ તહેવાર 10 દિવસનો હોય છે પરંતુ ભક્તો પોતાની અનુકૂળતા અનુસાર 10થી ઓછા દિવસ માટે પણ ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે.

માટીમાંથી બનાવેલી વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિની આસ્થાપૂર્વક સ્થાપના કર્યા પછી 10 દિવસ સુધી નિયમિત તેમની પૂજા-અર્ચના-આરતી કરવામાં આવે છે તેમને સૌથી પ્રિય એવા લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે. ગણેશજીના જાહેર કાર્યક્રમોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

2 સપ્ટેમ્બરથી શરૂ થનારો આ તહેવાર 10 દિવસ પછી એટલે કે અનંત ચતુર્દશી (અનંત ચૌદશ)ના રોજ સંપન્ન થશે અને આ દિવસે ગણેશજીને રંગેચંગે વિદાય આપીને પાણીમાં તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજી સૌ ભક્તોને સદાય સુખ, સમૃદ્ધિ અને ખુશી આપે તેવી પ્રાર્થના સાથે તેમજ આવતા વર્ષે વહેલા પધારવાની વિનંતી સાથે ભક્તો ગણેશજીને વિદાય આપશે.

ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત:
ગણેશ ચતુર્થીની ઉજવણી શ્રી ગણેશજીના જન્મની ખુશીમાં કરવામાં આવે છે. આ દિવસને વિનાયક ચતુર્થી અથવા વિનાયક ચાવિતી પણ કહેવામાં આવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર 2019ના રોજ ગણેશ ચતુર્થી છે અને આ દિવસે ગ્રહો અને નક્ષત્રો પણ અદભુત સંયોગ સર્જી રહ્યા છે. આ દિવસે સૂર્ય પોતાની જ રાશિ સિંહમાં હશે જ્યારે ચંદ્ર સૌથી શુભ નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રમાં તેની સાથે યુતિમાં હશે. આ યુતિના કારણે ગણેશ ચતુર્થીના તહેવારે ગ્રહોના શુભત્વમાં વધારો થશે. આ દિવસે ભક્તો દ્વારા વિઘ્નહર્તાની પૂજા-અર્ચના કરવાથી તેમના જીવનમાં રહેલી કોઇપણ સમસ્યાઓ અથવા વિઘ્નો દૂર થશે.

ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના માટે શુભ મુહૂર્તની માહિતી અહીં આપવામાં આવી છે. 2 સપ્ટેમ્બરના રોજ ગણેશજીની સ્થાપના કરવા માટે શુભ મુહૂર્ત અભિજિત મુહૂર્ત છે જે સવારે 11.55 થી બપોરે 12.40 સુધી છે. બાકીના સમયમાં ચોઘડિયા અનુસાર સારા મુહૂર્તમાં પણ ગણેશજીની સ્થાપના કરી શકાય. ચોઘડિયા અનુસાર ચલ-13: 58 થી 15:33, લાભ-15:33 થી 17:09 અને અમૃત-17:09 થી 18:44 ચોઘડિયામાં ગણેશજીની સ્થાપના કરવી જોઇએ.

ગણેશ ચતુર્થી વ્રત નું મહત્વ:

– ભાદરવા મહિનાના શુકલ પક્ષની ચતુર્થીને ગણેશ ચતુર્થીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો.

– ભગવાન ગણેશનો જન્મ ભાદરવાના શુક્લપક્ષની ચતુર્થીના રોજ સોમવારના દિવસે મધ્યાહ્ન કાળમાં સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. તેથી મધ્યાહ્ન કાળમાં જ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ ખૂબ જ શુભ સમય માનવામાં આવે છે.

– ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી ને વિદ્યા બુદ્ધિના પ્રદાતા, વિઘ્ન-વિનાશક, મંગળકારી કહેવામાં આવે છે. દરેક મહિને કૃષ્ણપક્ષની ચતુર્થીના રોજ સંકષ્ટી ગણેશ ચતુર્થી વ્રત કરવામા આવે છે. પણ આ ગણેશ ચતુર્થી વ્રત આ બધામાં સૌથી ઉત્તમ હોય છે.

– મહારાષ્ટ્રમાં આ તહેવાર ગણેશોત્સવના રૂપમાં ઉજવાય છે. આ 10 દિવસ ચાલે છે અને અનંત ચતુર્દશી પર સમાપ્ત થાય છે. આ દરમિયાન ગણેશજીને ભવ્ય રૂપથી સજાવીને તેમની પૂજા કરવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં ગણેશ સ્થાપના કરે છે.

– તેમજ 10 દિવસ સુધી ગણેશજી ની પૂજા અર્ચના કરે છે. તેમજ અંનત ચૌદસ ના દિવસે ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવે છે.

Source link —> www.ganeshaspeaks.com / gujaratofficial.com

Share this :