જાણો માં આરાસુર અંબાજીની અદ્ભુત સંગ્રહાયેલી પૌરાણિક કથા વિશે

ભગવાન શિવના સસરા દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કરેલું. સૃષ્ટિનાં દરેક મોટા માથાંઓને આમંત્રણ હતું પણ પોતાના સગા જમાઈ એવા શિવજીને આમંત્રણ નહોતું. તો પણ પિયરમાં ઉત્સવ હતો એટલે સતી તો ગયાં. યજ્ઞમાં સતીની સમક્ષ જ દક્ષ પ્રજાપતિએ શિવજીને લઈને એવી અપમાનજનક હરકતો કરી, કે સતીને હાડોહાડ લાગી આવ્યું અને એ જ વખતે તેઓ યજ્ઞના હવનકુંડમાં કૂદી પડ્યાં!

શિવજીને આ વાતની ખબર પડી અને તેમનો ગુસ્સો સાતે આસમાન ભેદી ગયો. પોતાના ત્રિશૂળ વડે તેમણે દક્ષ પ્રજાપતિનો શિરચ્છેદ કર્યો અને સતીનો મૃતદેહ ખભા પર લઈ તાંડવ શરૂ કર્યું. એક બાજુ સતીના વિષાદમાં કાળઝાળ બનેલા શિવ અને બીજી બાજુ શિવજીના તાંડવથી પડુંપડું થતાં ત્રણે લોક! શિવજીનો આ નાટારંભ વધારે ચાલે તો સ્વાભાવિક રીતે કશું બચવાનું નહોતું. આથી ભગવાન વિષ્ણુએ શિવજીનો વિષાદભંગ કરવાને સુદર્શન ચક્ર છોડ્યું, જેણે સતીના દેહના ૫૧ ટૂકડા કર્યા. આ ૫૧ ટૂકડાઓ ભારતના વિવિધ ભાગોમાં પડ્યા, એ ભાગો અતિ પવિત્ર ‘શક્તિપીઠ’ સ્થાનકો તરીકે ઓળખાયા.

“સતીના દેહનો હ્રદયનો ભાગ જે સ્થાનક પર પડ્યો તે એટલે અંબાજી.”

ગબ્બર ગોખવાળી

અરવલ્લીની રમણીય પહાડીઓમાં વસેલું અંબાજીનું સુવર્ણજડિત મંદિર એના મહાત્મયને લઈને રોજે હજારો ભાવિકોને ખેંચી લાવે છે. હાલ મંદિરનું રિનોવેશન થયા બાદ તો એ જાણે આખું સુવર્ણથી જડાયેલું હોય એવું ભાસે છે! ૩૫૮ સુવર્ણકળશ ધરાવતી ભારતની એકમાત્ર શક્તિપીઠ તરીકે અંબાજીનો મહિમા છે. દિવસમાં થતી ત્રણેય આરતીઓ પ્રસંગે અહીં હજારો ભાવિકો કાયમ ઉપસ્થિત હોય છે. માતાજીની જ્યોતના દર્શન કરી સૌ કૃતાર્થ થાય છે.

તો મંદિરથી પાંચ કિલોમીટર જેટલે દૂર આવેલ ગબ્બર પર્વત પર પણ માતા અંબાજીનું સ્થાનક આવેલું છે. ૯૯૯ પગથિયાં ચડો એટલે અહીં પણ માતાજીની અખંડ જ્યોતના દર્શન થાય. એમ પણ કહેવાય છે, કે ગબ્બર પર્વતની ગુફા એ જ માતાજીનું મૂળ સ્થાન છે.

ચાચર ચોકવાળી

અંબાજીનું મંદિર લગભગ બારસો વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે. મંદિરની સુંદર કોતરણી અને ઉત્કૃષ્ટ કારીગરીયુક્ત સુવર્ણશોભિત શિખર યાત્રાળુઓમાં માતાના દરબારમાં આવ્યાનો અહોભાવ જાગ્રત કર્યા વગર રહેતાં નથી. મંદિરથી થોડે દૂર આરસપહાણ જડિત ચાચરચોક આવેલો છે, જેનો ઉલ્લેખ આપણા ગરબાઓમાં ને લોકગીતોમાં થતો જ રહે છે.

નથી થતી કોઈ મૂર્તિની પૂજા

અંબાજીના દર્શન કર્યાં હશે તો તમને ખ્યાલ હશે કે અંદર માતાજીની મૂર્તિ રહેલી છે. પણ આ ખ્યાલ ખોટો છે! ખરેખર તો મંદિરના ગર્ભગૃહમાં આવેલું મુખ્ય સ્થાન માતાજીની મૂર્તિ ધરાવતું નથી, પણ ‘શ્રી વીસાયંત્ર’ કહેવાતું એક યંત્ર છે; જેનો એવી રીતે શણગાર કરવામાં આવે છે કે તમને અહીં મૂર્તિ હોવાનો અનુભવ થાય! આ યંત્રની અહીં પૂજા થાય છે. યંત્ર ઉપર કુલ ૫૧ અક્ષરો કોતરાયેલા છે, જે આર્યાવર્તમાં આવેલી ૫૧ શક્તિપીઠોને દર્શાવે છે.

કહેવાય છે, કે મંદિરના પૂજારી પણ આ યંત્રને આંખે જોઈ શકતા ન હોઈ હંમેશા આંખે પાટા બાંધીને તેમની પૂજા કરવામાં આવે છે.

રામને આપ્યું બાણ તો પાંડવોએ કરી પૂજા

અંબાજી એક અતિ પ્રાચીન શક્તિસ્થાન છે. આનો ઉલ્લેખ ભારતના મોટા ભાગના હિંદુ ધર્મશાસ્ત્રોમાં છે. ત્રેતાયુગમાં રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે મહર્ષિ શૃંગના કહેવાથી રામ-લક્ષ્મણ માતા અંબાના આશિર્વાદ લેવાને આરાસુર આવ્યા હતા. આ અંબાએ પ્રસન્ન થઈ રામને બાણ ભેટ આપેલું, જેના વડે રામે લંકાના રણમધ્યે રાવણનો વધ કરેલો.

પાંડવોએ પણ પોતાના વનવાસ દરમિયાન અહીં માતાજીના દર્શન કર્યાં હોવાનો, પૂજન કર્યું હોવાનો ઉલ્લેખ આપણાં શાસ્ત્રોમાં મળે છે. એવું પણ માનવામાં આવે છે, કે ભગવાન કૃષ્ણની બાળપણમાં વાળ ઉતારવાની વિધિ (શૌલક્રિયા) પણ અહીં જ કરવામાં આવેલી. એ વખતે માતા જશોદા અને નંદબાવા સહિત કૃષ્ણ ભગવાને અહીં માતાના આશિર્વાદ લીધા હતા.

દાંતાના રાણાની વાર્તા

ઉલ્લેખનીય છે, કે હાલ અંબાજી બનાસકાંઠાના દાંતામાં બિરાજમાન છે પણ કહેવાય છે કે વર્ષો પૂર્વે તેઓનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા હતું. કથા એવી છે, કે દાંતાના રાજવી જશરાજજી નિયમિત માતાજીના દર્શને ખેડબ્રહ્મા જતા અને માતાજીને પોતાની ધરતીમાં આવવા કાલાવાલા કરતા. એ વખત અંબાજી પ્રસન્ન થયાં અને રાણા જશાજીની સાથે આવવા માંડ્યાં, એ શરતે કે રાણાએ પાછું વળી જોવું નહી. આરાસુરનો ડૂંગરો આવ્યો અને પાછળ ચાલતા માતાજીએ રાણાની પરીક્ષા કરવા પોતાના ચાલવાથી થતા ઝાંઝરનાદ બંધ કર્યા. રાણાએ આખરે પાછું વળીને જોઈ લીધું અને અંબાજી એ જ સ્થાને, આરાસુરમાં, બિરાજમાન થયાં.

અમદાવાદનો પ્લેગ નાથ્યો અને શરૂ થઈ યાત્રા

ભાદરવા મહિનાની પૂનમ આવે એટલે ચાર દિવસનો ઉત્સવ અંબાજીમાં પૂરજોશમાં જામે. ગુજરાત સહિત ભારતના ખૂણેખૂણામાંથી લોકો ‘જય અંબે આરાસુરવાળી!’ના નાદ સાથે પગપાળા માતાજીનાં દર્શન કરવા ચાલી નીકળે. માતાજીની વિશાળકાય ચૂંદડીઓ લહેરાતી હોય છે એવાં દ્રશ્યો પણ જોવા મળે.

ઇતિહાસ કહે છે, કે આ પથયાત્રાનો ચીલચીલો બહુ પુરાણો નથી. લગભગ બે સદી વીતી હશે એ વાતને કે જ્યારે અમદાવાદમાં ભયાવહ પ્લેગનો રોગ ફાટી પડેલો.

ટપોટપ માણસો મરી રહ્યા હતા. એ વખતે અમદાવાદના એક શેઠનું હ્રદય દ્રવી ઉઠ્યું. હઠીસિંહ નામના આ શેઠે અંબાજીની પગપાળા યાત્રા કરી અને માતાનાં દર્શન કરી અમદાવાદને પ્લેગમુક્ત કરવા માંગ કરી. માતાએ પ્રાર્થના સાંભળી અને જોતજોતામાં પ્લેગની મહામારીમાંથી લોકોને મુક્તિ મળી. બસ, એ વખતથી જ યાત્રાળુઓમાં માતાજીની પદયાત્રા કરવાની હોશ જાગી.

આમ તો દર પૂનમે અહીં ઉત્સવ જેવો માહોલ હોય છે પણ ભાદરવી પૂનમના ચાર દિવસની તો જાણે મૂકીને વાત કરો! માનવોનો રીતસર મહેરામણ ઉમટે છે. એ ઉપરાંત નવરાત્રી દરમિયાન અને પોષ મહિનાની પૂનમ કે જે અંબાજીનો પ્રાગટ્ય દિવસ છે. અહીઁ યાત્રાળુઓની ભીડ હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં પણ અહીઁ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને આદિવાસી મેળો યોજાય છે.

તો આવી છે જગજનની માતા અંબાની વાત! આશા છે કે માહિતી ગમી હશે. એવું જ હોય તો શેર પણ કરજો આપના મિત્રો સાથે આ આર્ટિકલની લીંક… જય માતાજી!

Source link —> gujjurocks.in

Share this :