જાણો નવરાત્રીના મહાપર્વ પર દુર્ગા માતાના 9 સ્વરૂપો સાથે સંકળાયેલી ધાર્મિક કથા વિશે

નવરાત્રિ ખરા અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની આ નવ દિવસો દરમિયાન પૂજા-અર્ચના થાય છે. અનેક ઇચ્છાઓ માતા દુર્ગા સમક્ષ ખરા ભાવથી પ્રાર્થીને લોકો પૂર્ણ કરે છે. આજે વાત કરવી છે માતા દુર્ગાના નવસ્વરૂપો વિશેની. શું તમે જાણો છો કે, નવરાત્રિના પહેલાં દિવસથી લઇને નવમાં નોરતાં સુધી કઇ-કઇ શક્તિની પૂજા કરવામાં આવે છે? અર્થાત્ તમે માતા દુર્ગાના નવ સ્વરૂપ વિશે જાણો છો?

(1) શૈલપુત્રી

પ્રથમ દિવસે શક્તિના આ રૂપની પૂજા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, માતા પાર્વતી પર્વતરાજ હિમાલયના પુત્રી હોય તેને ‘શૈલપુત્રી’ કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ સુશોભિત છે.

(2) બ્રહ્મચારિણી

નોરતાંના બીજા દિવસે શક્તિના બ્રહ્મચારિણી સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતા બ્રહ્મચારિણી ‘બ્રહ્મ’ અર્થાત્ તપ/તપસ્યાના દેવી છે. તેમના એક હાથમાં તપસ્યા દરમિયાન રાખવામાં આવતી માળા અને એક હાથમાં કમંડળ સોહાય છે.

(3) ચંદ્રઘન્ટા

દુર્ગાના આ રૂપની પૂજા તૃતીયા નવરાત્રના કરવામાં આવે છે. દેવી ચન્દ્રઘન્ટાનું મસ્તિષ્ક અર્ધચંદ્રાકાર છે. માતાજીને દશ હાથ છે, જે દરેકમાં અલગ-અલગ અસ્ત્ર/શસ્ત્ર ધારણ કરેલ છે. સિંહસવારી પર શોભતા શક્તિ શાંતિકારક અને કલ્યાણકારી માનવામાં આવે છે.

(4) કુષ્માંડા

મંદ હાસ્ય દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સર્જન કરવાને લીધે જ માં દુર્ગાના ચોથા સ્વરૂપને દેવી ‘કુષ્માંડા’ તરીખે ઓળખાય છે. ચોથા નોરતે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવીની અર્ચનાથી બળ, આયુ, સ્વાસ્થય અને યશમાં વૃધ્ધિ થાય છે.

(5) સ્કંદમાતા

નવરાત્રિના પાંચમાં દિવસે માતાના આ રૂપની પૂજા કરવામાં આવે છે. ભગવાન કાર્તિકેયનું બીજું નામ ‘સ્કંદકુમાર’ પણ છે. અને એમના માતા અર્થાત્ સ્કંદમાતા એટલે માં પાર્વતી. માતાના આ રૂપને ચાર ભુજાઓ છે. કહેવા પ્રમાણે, સ્કંદમાતાની અર્ચના હરેક દિશામાં સફળતા પ્રમાણિત કરનાર હોય છે.

(6) કાત્યાયની

છઠ્ઠી નવરાત્રે માં દુર્ગાના આ રૂપની પૂજા કરવામાં આવે છે. મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે, શક્તિ એમના ઘરે પુત્રીના રૂપે જન્મ લે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા તેજપુંજ રૂપે માતાએ કાત્યાયનની ઘરે અવતાર લીધો. સૌથી પ્રથમ માતાની પૂજા મહર્ષિએ જ કરેલી. આમ, કાત્યાયની રૂપે માતાએ મહર્ષિની ઇચ્છાપૂર્તિ અને મહિષાસુર દાનવનો નાશ કર્યો.

(7) કાલરાત્રિ

માતાના આ રૂપની સપ્ત નવરાત્રના પૂજા થાય છે. કાલરાત્રિ માં દેખાવે દૈત્યનાશક-ભયાનક ભાસે છે. વાન કાળો, વાળ વિખરાયેલા, ગળામાં અષાઢી વિજળી જેમ ચમકતી માળા અને ત્રિનેત્ર ભાલ! માંની આરાધના કરનારનું મન સહસ્ત્રા ચક્રમાં સ્થિત થાય છે.

(8) મહાગૌરી

મહાગૌરીની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં સર્વત્ર આનંદ વ્યાપે છે. આઠમાં નોરતે માતાના આ રૂપની પૂજા થાય છે. આ રૂપમાં શક્તિરૂપ મહાગૌરી પૂર્ણરૂપે સફેદ ભાસે છે; વસ્ત્ર અને આભૂષણ સમેત. માતાને ચાર ભુજાઓ છે.

(9) સિધ્ધીદાત્રી

આખરી નોરતાં પર માતાના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાશક્તિનું નવમું રૂપ સિધ્ધીદાત્રી તરીકે ઓળખાય છે. માતાના આ રૂપની પૂજા કરવાથી ઇચ્છિત સિધ્ધીઓ પ્રાપ્ત થાય છે. સિધ્ધી આપનાર એટલે સિધ્ધીદાત્રી.

જય માતાજી

Source link —> bhelpoori.com.

Share this :