જાણો શ્રીનાથજી ની પ્રાગટ્ય કથા વિષે

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ભક્તોની વિનંતી પર વચન આપ્યું કે, “સમસ્ત જીવોના કલ્યાણ માટે કળિયુગમાં હું વ્રજલોકમાં શ્રીનાથજીના નામથી પ્રગટ થઈશ.” પોતાના વચનને પૂરું કરવા માટે વ્રજલોકમાં મથુરાની નજીક જતીપુરા ગામમાં શ્રી ગોવર્ધન પર્વત પર ભગવાન શ્રીનાથજી પ્રગટ થયા. પ્રાગટયનો સમય જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ શ્રીનાથજીની લીલાઓ શરૂ થઈ ગઈ.

વ્રજવાસીઓની ગાયો ઘાસ ચરવા માટે ગોવર્ધન પર્વત પર જતી હતી. તેમાંથી સદુ પાંડેની ઘુમર નામની ગાય પોતાનું થોડું દૂધ શ્રીનાથજીના લીલા સ્થળ પર અર્પણ કરતી હતી. ઘણાં સમય સુધી આ ક્રમ ચાલુ રહેતાં વ્રજવાસીઓમાં કુતૂહલ જાગ્યું કે, આખરે આ શું લીલા છે? તેમણે શોધખોળ આદરી. તેમને ગિરિરાજ પર્વત પર શ્રીનાથજીની ઊર્ધ્વ ભુજાનાં દર્શન થયાં.

ગાયમાતા ત્યાં જ પોતાનું દૂધ ચઢાવીને આવતાં હતાં. વ્રજવાસીઓને આ દૈવીય ચમત્કાર લાગ્યો અને પ્રભુની ભવિષ્યવાણી સત્ય પ્રતીત થવા લાગી. વ્રજવાસીઓએ ઊર્ધ્વ ભુજાની પૂજા-આરાધના શરૂ કરી દીધી. થોડા સમય પછી સંવત 1535ની વૈશાખ વદ અગિયારશે ગિરિરાજ પર્વત પર શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટય થયું અને ત્યારબાદ સંપૂર્ણ શરીરનું પ્રાગટય થયું.

એક તરફ વ્રજલોકમાં શ્રીનાથજીની લીલાઓ ચાલી રહી હતી, જ્યારે બીજી તરફ મહાપ્રભુ વલ્લભાચાર્યજી સંવત 1549ની ફાગણ સુદ અગિયારશે પોતાની ઝારખંડની યાત્રામાં શુદ્ધાદ્વૈતનો પ્રચાર કરી રહ્યા હતા. શ્રીનાથજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને આદેશ કર્યો કે વ્રજલોકમાં મારું પ્રાગટય થઈ ચૂક્યું છે.

તમે અહીં આવો અને મને પ્રતિષ્ઠિત કરો, તેથી મહાપ્રભુજીએ ઝારખંડની યાત્રા અધવચ્ચે છોડીને મથુરા જઈને જતીપુરા પહોંચ્યા. જતીપુરામાં વ્રજવાસીઓએ તેમને શ્રીકૃષ્ણના શ્રી ગોવર્ધન પર્વત પર પ્રગટ થવાની વાત જણાવી.

વલ્લભાચાર્યજી બધાને સાથે લઈને ગોવર્ધન પર્વત પર પહોંચ્યા અને ત્યાં શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું તથા શ્રીનાથજીની સેવા-આરાધના કરવાની વિધિવત્ જાણકારી આપી.

મુગલોના શાસનનો સમય ચાલી રહ્યો હતો. પ્રભુએ હજુ પણ કેટલીક લીલાઓ કરવાની હતી. બીજી બાજુ એ સમયનો મુગલ સમ્રાટ ઔરંગઝેબ હિન્દુ આસ્થાના સ્થાન સમાં મંદિરોને નષ્ટ કરી રહ્યો હતો. મેવાડમાં ભગવાન શ્રીનાથજીએ પોતાની પરમ ભક્ત એવી મેવાડની રાજકુમારી અજબકુંવરબાઈને આપેલું વચન પૂરું કરવા ત્યાં પધારવાનું હતું.

ભગવાને લીલા રચી. શ્રી વિઠ્ઠલનાથજીના પૌત્ર દામોદરજી, તેમના કાકા ગોવિંદજી, બાલકૃષ્ણજી તથા વલ્લભજી ઔરંગઝેબના અત્યાચારોની વાત સાંભળીને ચિંતિત થઈ ગયા. તેમણે શ્રીનાથજીને સુરક્ષિત સ્થાન પર લઈ જવાનો નિર્ણય કર્યો. ભગવાનની આજ્ઞા લઈને તેઓ ર્મૂતિને ગાડામાં મૂકીને ચાલવા લાગ્યા.

રસ્તામાં આવનારાં બધાં જ રાજ્યો જેમ કે આગ્રા, કિશનગઢ, કોટા, જોધપુર વગેરેના રાજાઓને તેમણે ભગવાનની ર્મૂતિની પ્રતિષ્ઠા કરાવવાનો આગ્રહ કર્યો, પરંતુ કોઈ પણ રાજા મુગલ સમ્રાટ ઔરંગઝેબ સાથે દુશ્મની કરવાનું સાહસ ન કરી શક્યા, જોકે બધાએ ગુપ્ત રીતે થોડા સમય માટે ર્મૂિત રાખવા જણાવ્યું, પણ ભગવાનની લીલાનો સમય હજુ નથી થયો તેમ માનીને બધા ભગવાનની ર્મૂિતને લઈને આગળ ચાલવા લાગ્યા.

તેઓ જ્યારે ભગવાનની ર્મૂતિ સાથે મેવાડ પધાર્યા ત્યારે રથનું પૈડું સિંહાડ ગામ (વર્તમાન શ્રીનાથદ્વારા)માં આવીને માટીમાં ખૂંપાઈ ગયું. ઘણાં પ્રયત્નો કરવા છતાં પણ પૈડું બહાર ન નીકળ્યું. બધાએ આ પ્રભુની જ લીલા છે તેમ માનીને પ્રભુને અહીં જ વિરાજમાન કરાવવાનો નિર્ણય કર્યો.

તત્કાલીન મહારાજા શ્રીરાજ સિંહજીએ શ્રીનાથજીનું સ્વાગત કરીને વચન આપ્યું કે, શ્રીનાથજીને મારા રાજ્યમાં પધરાવું છું. પ્રભુના સ્વરૂપની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તમે ભગવાનને અહીં જ વિરાજમાન કરાવો. સંવત 1728 મહા વદ સાતમના દિવસે ભગવાન શ્રીનાથજીને મંદિર (નાથદ્વારાના વર્તમાન મંદિર)માં પધરાવવામાં આવ્યા અને ભવ્ય પાટોત્સવનું આયોજન થયું.

ત્યારથી સિંહાડ ગામ શ્રીનાથદ્વારાના નામથી પ્રસિદ્ધ થયું અને ત્યારથી ભગવાન શ્રીનાથજીના લાખ્ખો ભક્તો દર વર્ષે શ્રીનાથદ્વારા આવીને શ્રીનાથજીનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. દર વર્ષે મહા વદ સાતમના દિવસે શ્રીનાથદ્વારા સહિત સમગ્ર ભારતમાં શ્રીનાથજીના પાટોત્સવની ધૂમધામપૂર્વક ઉજવણી થાય છે.

Source link —> www.facebook.com

Share this :