જાણો વાઘ બારસને દિવસે ઓળખવામાં આવતા ગોવત્સ દ્વાદશી નું મહત્વ,વ્રત વિધિ અને મંત્ર વિષે

આસો વદ બારસને ગોવત્સ દ્વાદશી અને વાઘ બારસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ગોવત્સ દ્વાદશીનું વ્રત ઉત્તર ભારતમાં કરવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 25 ઓક્ટોબર, શુક્રવારે છે. આ દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે અને વ્રત કરવામાં આવે છે. ઘરની આસપાસ ગાય કે વાછરડું ન મળે તો ભીની માટીથી તેમની મૂર્તિ બનાવી પૂજા કરવાનું વિધાન છે. આ વ્રતમાં ગાયના દૂધની વસ્તુઓ ન ખાઇ શકાય.

ગોવત્સ દ્વાદશીનું મહત્વ

ગોવત્સ દ્વાદશી સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે. એક કથા અનુસાર રાજા ઉત્તાનપાદ અને તેમની પત્ની સુનીતિએ સૌથી પહેલાં આ વ્રત કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી જ તેમને ભક્ત ધ્રુવ જેવા પુત્રની પ્રાપ્તિ થઈ હતી. આ માટે નિસંતાન પતિ-પત્નીએ ઉત્તમ સંતાન મેળવવા આ વ્રત કરવું જોઇએ. આ દિવસે ગાયની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે.

આ વિધિથી કરો ગોવત્સ દ્વાદશીનું વ્રત

સૌપ્રથમ વ્રત કરનાર વ્યક્તિએ સવારે સ્નાન કરી દૂધ આપતી ગાય અને વાછરડાને સ્નાન કરાવવું જોઇએ. ત્યારબાદ તેમને ફૂલની માળા પહેરાવવી.
માથા પર ચંદનનું તિલક કરવું. તાંબાના વાસણમાં પાણી, ચોખા, તલ અને ફૂલ મિક્સ કરી નીચે જણાવેલ મંત્ર બોલી ગાયના પગ પર રેડો.
क्षीरोदार्णवसम्भूते सुरासुरनमस्कृते।
सर्वदेवमये मातर्गृहाणार्घ्य नमो नम:॥

આ મંત્રનો અર્થ છે- સમુદ્ર મંથન સમયે ક્ષીર સાગરથી ઉત્પન્ન સુર અને અસુરો દ્વારા નમસ્કાર કરેલ દેવસ્વરૂપિણી માતા તમને વારંવાર નમસ્કાર છે. મારા દ્વારા આપેલ આ અર્ધ્યનો તમે સ્વિકાર કરો.
ત્યારબાદ ગાયને વિવિધ પકવાન ખવડાવો અને નીચે લખેલ મંત્ર બોલો.

सुरभि त्वं जगन्मातर्देवी विष्णुपदे स्थिता।
सर्वदेवमये ग्रासं मया दत्तमिमं ग्रस॥
तत: सर्वमये देवि सर्वदेवैरलड्कृते।
मातर्ममाभिलाषितं सफलं कुरु नन्दिनी॥

આ રીતે ગાય અને વાછરડાની પૂજા કર્યા બાદ ગોવત્સ વ્રતની કથા સાંભળવી. આખો દિવસ વ્રત રાખી રાત્રે પોતાના ઈષ્ટદેવ અને ગૌમાતાની આરતી કરવી. ત્યારબાદ ભોજન પણ કરો.

Source link —> www.gstv.in

Share this :