જાણો દિવાળી સાથે જોડાયેલી પૌરાણિક કથા વિષે તથા રંગોળી કરવાની પ્રથા પાછળનું રહસ્ય

કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે.

દિવાળી પર દીપ પ્રજ્વલિત કરવામાં આવે છે, ફટાકડા ફોડવા ઉપરાંત લક્ષ્મી પૂજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે ? તેનું શું મહત્વ છે અને તેની સાથે જોડાયેલી કથા શું છે ? નથી જાણતા તો આજે જાણી લો દિવાળી સાથે જોડાયેલી રોચક વાતો અને પ્રતલિત વાર્તાઓ.

1. ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા.. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.

2. જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીપૂજન થાય છે.

3. દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે.

લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા કરવામાં આવે છે.

હિંદુઓનો મુખ્ય તહેવાર દિવાળી 27 ઓક્ટોબરના રોજ આવી રહ્યો છે.દિવાળીના દિવસોમાં ઘરના બહાર રંગોળી કરવામાં આવે છે. પરંતુ એ શા માટે કરવામાં આવે છે તે જાણો

27 ઓક્ટોબરે હિંદુઓનો પ્રમુખ તહેવાર દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીનો અર્થ છે ‘દિપોત્સવ’. આ સમયે દરેક ઘરોમાં દિવા ઝળહળી ઉઠે છે. આ દિવાના અજવાળાથી લોકોના જીવનનું અંધારુ દૂર થઈ જાય છે. તે જ રીતે હિંદુ તહેવારોમાં આપણે ત્યાં ઘર આંગણે રંગોળી કરવાની પ્રથા છે. રંગોળીના આ વિવિધ સુંદર રંગો ઘરની શોભા વધારે છે. રંગએ વ્યક્તિના મનને આકર્ષિત કરે છે. સામાન્ય રીતે વર્ષોથી તહેવાર, વ્રત, પૂજા, ઉત્સવ, લગ્ન વગેરે શુભ અવસરો પર સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવવામાં આવે છે, જેમાં મોટા ભાગે દેવી-દેવતાઓની આકૃતિઓ હોય છે. જ્યારે આજે રંગોળી બનાવવાનો હેતુ ઘરની સજાવટ અને સુમંગળ છે. જેને ઘરની સ્ત્રીઓ ઘર આંગણે, પૂજા સ્થાને બનાવે છે.

રંગોળી’ કરવાની પ્રથા

એવું માનવામાં આવે છે કે, રાવણને માર્યા બાદ જ્યારે ભગવાન રામ પોતાની પત્ની સીતા સાથે 14 વર્ષનો વનવાસ વિતાવ્યા બાદ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યુ હતુ. લોકોએ પોતાના ઘરોની સાફ-સફાઈ કરી, તેમ જ સ્વચ્છ રંગો તથા ફૂલોથી રંગોળી બનાવી હતી અને ઘરને દિવાથી સજાવ્યા હતા. પરિણામે ત્યારથી જ દિવાળી પર રંગોળી અને દિવા પ્રગટાવાની પ્રથા શરૂ થઈ છે.

ઈતિહાસ

રંગોળીનું એક નામ ‘અલ્પના’ પણ છે. મોહેન્જો દડો અને હડપ્પામાં પણ ‘અલ્પના’ના ચિન્હો જોવા મળે છે. ‘અલ્પના’ વાત્સ્યાયનના કામ-સૂત્રમાં વર્ણિત ચોસઠ કળાઓમાંની એક છે. ‘અલ્પના’ શબ્દ સંસ્કૃતના ‘ઓલંપેન’ શબ્દથી આવ્યો છે, ‘ઓલંપેન’નો અર્થ છે ‘લેપ’ કરવો. પ્રાચીન કાળમાં લોકોનો વિશ્વાસ હતો કે કલાત્મક ચિત્ર શહેર અને ગામને ધન-ધાન્યથી પરિપૂર્ણ રાખવામાં સમર્થ હોય છે અને પોતાના જાદુઈ પ્રભાવથી સંપતિને સુરક્ષિત રાખે છે. આ કારણે લોકો રંગોળીને મહત્વ આપે છે.

શુભ સંદેશનું પ્રતિક છે ‘રંગોળી’

તહેવારમાં ઘર આંગણે નાની-મોટી રંગોળી પૂરવામાં આવે છે. હિંદુઓના મોટાભાગના તહેવારમાં ઘર આંગણે રંગબેરંગી રંગોળી જોવા મળે જ છે. પણ ખાસ કરીને દિવાળીના તહેવારમાં દરેક ઘરના આંગણે વિવિધ રંગોની રંગોળી જોવા મળે છે, જે હર્ષોલ્લાસ અને શુભ સંકેત દર્શાવે છે. જ્યારે જ્યારે ઘરમાં તહેવાર કે ખુશીઓ આવે છે ત્યારે ત્યારે આ ખુશીઓને દર્શાવવા માટે આપણે ત્યાં ઘર આંગણે રંગોળી પૂરી ખુશીઓને વ્યક્ત કરવામાં આવે છે.

રંગોળીનો ઉદેશ્ય

રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. તેથી જ હવન અને યજ્ઞો કરતી વખતે પણ તેને બનાવવામાં આવે છે. જમીન શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન પણ તેની પાછળ જવાબદાર છે. હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે રંગોળી.

Source link —> dailyhunt.in/gujaratsamachar.com

Share this :