જાણો ગુજરાતીઓ નું નવી આશા ઉલ્લાસ સાથેનું નવું વરસ એટ્લે કે બેસતા વર્ષ વિશે

આજથી વિક્રમ સંવત 2076 ના વર્ષની શરૂઆત થાય છે. ત્યારે સૌપ્રથમ તો તમામ દર્શકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું નવું વર્ષ આપના જીવનમાં શુભત્વ, સુખશાંતિ અને સુખાકારી લાવે તેવી ઈશ્વરને પ્રાર્થના.

આજથી વિક્રમ સંવત 2076 ની શરુઆત થાય છે. ગુજરાતીઓમાં નવા વર્ષનું ખૂબ મહત્વ રહેલું છે. બેસતાં વર્ષના દિવસે પ્રાતઃકાલે વહેલાં ઉઠીને લોકો પ્રથમ તો મંદિરમાં દર્શનાર્થે જાય છે. ઈશ્વરના દર્શન કરીને વડીલોના આશીર્વાદ લઈને આપણે સગાવ્હાલાં અને મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે જતાં હોઈએ છીએ.

વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહત્ત્વ છે. દીવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ, નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દીવાળી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નવા વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે વડીલોની આશિષ મેળવવવામાં આવે છે.

હવે નવા વર્ષની ઉજવણીમાં પણ નવીનતા જોવા મળે છે. ટેક્નોલોજીનો આવિષ્કાર ઉજવણીને પ્રભાવિત કરે છે. શુભેચ્છા કાર્ડ્સનું સ્થાન હવે ઇ-મેલ અને એસએમએસે લઈ લીધું છે. સોશિઅલ સાઇટ્સનો પણ નૂતન વર્ષની ઉજવણીમાં બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

નવું વર્ષ નવી આશાઓ, નવા વિચારો લઈને આવે છે. ગયા વર્ષે પૂરાં ન થયેલા સ્વપ્નો આ વર્ષે તો ચોક્કસ પૂરાં કરીશું એવો નિર્ધાર આ દિવસે કરીને લોકો દ્રઢ સંકલ્પ કરે છે. ગત વર્ષની કડવાશ કે મનદુઃખ પર બેસતાં વર્ષના દિવસે પૂણવિરામ મુકાઈ જાય છે. કોઈ બાબતે એકમેક સાથે થયેલું મનદુઃખ ભૂલીને બેસતા વર્ષે ઉમળકાથી ગળે મળીને સંબંધોની નવી શરુઆત થાય છે. માત્ર સંબંધોમાં કે વિચારોમાં જ નવીનતા શા માટે? જૂનો હિસાબકિતાબ પતાવીને નવા વર્ષે નવી શરુઆત કરવાનો પણ રિવાજ છે. સંબંધોમાં, સંકલ્પમાં કે સજાવટમાં જ નહીં, પણ પોશાકમાં પણ નવીનતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. બીજા તહેવારોમાં નવાં કપડાં કદાચ ન ખરીદે તો ચાલે, પણ નવા વર્ષે નવો પોશાક પહેરવાનો જાણે વણલખ્યો નિયમ છે.

વહેલી સવારથી નવાં કપડાંમાં સજ્જ થઈને વડીલોના આશીર્વાદ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક મહાત્મ્ય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજાપાઠ કરીને ભગવાનનાં ચરણોમાં શિશ નમાવવા ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવવાનું મહાત્મ્ય છે. ભગવાનને ૩૨ જાતનાં ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. અન્નકૂટ દર્શન અને પ્રસાદી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં નવા વર્ષના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં થયેલી ફસલ સૌ પ્રથમ વખત ભગવાનનાં ચરણોમાં ધરે છે. કોઈક શેરડીના સાંઠાઓ તો કોઈક મગફળી લઈને મંદિરોમાં ભગવાનને અર્પણ કરે છે. નવા પાકની પ્રસાદી ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે.

વેપારધંધા સાથે સંકળાયેલા લોકો માટે ચોપડા પૂજનનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ બોણીનું છે. વર્ષ દરમિયાન વેપારમાં બરકત બરકરાર રહે એવી લાગણી સાથે આ દિવસે નાનકડી દુકાન ધરાવતા વેપારીઓથી લઈ મોટા બિઝનેસમેન સુધી લગભગ તમામ આ દિવસે કોઈક નાનકડી વસ્તુનો વેપાર કરીને પણ બેસતા વર્ષની બોણી કરવાનું ચૂકતાં નથી.

આમ, સામાજિક, આર્થિક, ધાર્મિક એમ બધી રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. નૂતન વર્ષ નવાં સાહસો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. નવું વર્ષ ગત વર્ષે ન અંબાયેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવાનું જોમ પૂરું પાડે છે. નવું વર્ષ કડવી યાદોને એક કદમ પાછળ ઠેલીને નવાં સપનાંઓ સજાવવાનું સામર્થ્ય આપે છે. ચૂકાઈ ગયેલી તકને ફરીથી ઝડપી લેવાનું સંકલ્પબળ નૂતન વર્ષ આપે છે. વીતેલાં વર્ષોની નિષ્ફળતાને વિસારે પાડીને સફળતાનાં શિખરો સર કરવાનું બળ એટલે નૂતન વર્ષ. વીતેલાં વર્ષમાં કરાયેલા સંકલ્પો કે આશાઓની જેમ આ વર્ષના સંકલ્પો પણ માત્ર સંકલ્પો બનીને ન રહી જાય એ વાતની પ્રતીતિ કરાવતો દિવસ એટલે પણ નૂતન વર્ષ.

Source link —> chitralekha.com

Share this :